શાળા અને ટ્યુશને એકલી જતી દીકરીઓના વાલીઓ માટે ચેતવણી રૂપી કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક રિક્ષા ચાલકે ટ્યુશનથી ઘરે જઈ રહેલા એક બાળકીને જબરજસ્તી પોતાની રિક્ષામાં બેસાડી અને બાદમાં તેને અવાવરું જગ્યાએ ગયો હતો. જ્યાં રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા બાદ તેણીને રસ્તા પર મૂકીને ભાગી ગયો હતો. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે નરાધમ રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેર વિસ્તારના સંતનામ સર્કલ ખાતે 8 વર્ષીય એક વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ પતાવીને તેના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન આ વિદ્યાર્થીનીની પાસે અચાનક એક રીક્ષા ચાલક આવ્યો અને વિદ્યાર્થિનીને રીક્ષામાં બેસવા માટે કહ્યું હતું. જો કે વિદ્યાર્થીનીએ રિક્ષામાં બેસવાની ના પાડી તો રિક્ષા ચાલકે વિદ્યાર્થીનીનો હાથ ખેંચી તેને જબરજસ્તી રિક્ષામાં બેસાડી હતી. અને બાદમાં વિદ્યાર્થીનીને લઈને આ રીક્ષા ચાલક અવાવરું જગ્યા પર પહોંચ્યો હતો. જ્યાં આ નરાધમે તેણીની સાથે શારીરિક અડપલા કરીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી અને બાદમાં રસ્તા પર મૂકીને જતો થયો હતો.
નોંધનીય છે કે, આ ઘટનાને પગલે બાળકી ડરી ગઈ હતી અને તે ઘરે પહોંચીને રડવા લાગી હતી. દીકરી ને રડતા જોઈને તેના પિતાએ તેની સાથે વાતચીત કરી તો બાળકીએ પોતાની સાથે થયેલ ઘટના અંગે જણાવ્યું હતું. ત્યારે બાળકીના પિતાએ આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રાંદેર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ મામલે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.