GujaratNavsariSouth Gujarat

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્ની પર હુમલો કરીને પુત્રને કૂવામાં ફેંકી દીધો, પોલીસે આરોપીની કરી ધરપકડ

પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા એ સામાન્ય બાબત છે. પરંતુ આ ઝઘડામાં ક્યારેક મોટી દુર્ઘટના પણ થઈ જતી હોય છે. આવું જ કંઈક નવસારી જિલ્લાના ખેરગામમાં સામે આવ્યું છે. જ્યાં પતિ પત્નીના ઝઘડામાં એક માસૂમ બાળકનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામમાં વસવાટ કરતા જગદીશ પટેલ અને તેના પત્ની પીનલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. જેના કારણે પીનલબેન તેની દીકરીને લઈ તેના પિતાના ઘરે પિયરમાં રહે છે. જ્યારે તેનો દીકરો જય ખેરગામમાં જગદીશ પટેલ પાસે રહેતો હતો. માતાની યાદ આવતા જયે તેની માતાને ફોન કર્યો અને તેને લઈ જવા માટે કહ્યું હતું. જેથી પીનલબેન તેમની દીકરીને લઈને પોતાના દીકરાને લેવા માટે ભેરવીથી ખેરગામ આવવા માટે નીકળ્યા હતા. જગદીશને આ બાબતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગયો હતો. અને તેણે રસ્તામાં જ તેની પત્નીને આંતરીને તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા પછી જગદીશે ઘરે આવીને તેના પુત્ર જયને પાછળ વાડીમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો અને પછી તે કૂવામાં તે પોતે પણ કૂદી પડ્યો હતો. જગદીશે પૌત્રને કૂવામાં ફેકી દીધો છે તેવી જાણ થતાં જ જયના દાદી અને જગદીશને માતા પણ તરત દોડીને કૂવા પાસે આવ્યા હતા અને જયને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા હતા.

નોંધનીય છે કે, એકસાથે 3 લોકો કૂવામાં પડવાના કારણે આસપાસ બૂમાબૂમ થઈ હતી. જેથી આસપાસથી અનેક લોકોએ કુવા પાસે પહોંચીને દોરડા અને ખાટલાની મદદથી કૂવામાં પડેલા તમામને કુવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમા દોરડું પકડીને જગદીશ ફટાફટ બહાર નીકળી ગયો અને ઘટનાસ્થળેથી તાત્કાલિક જ ભાગી ગયો હતો. ગામલોકોએ ભેગા મળીને જગદીશના માતાને પણ કુવામાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા. પરંતુ, ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે જયનું મોત નિપજ્યું હતું. તો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જગદીશની પત્ની પીનલને તાત્કાલિક અસરથી ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.