રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે અમદાવાદથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલામાં નિકોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં રહેનાર શ્યામ સુંદર ચોરસિયાની હત્યા કરવામાં આવી છે. મૃતક અને તેના પરિવારજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ટિફિન સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રવિવાર રાત્રીના અંદાજીત નવ વાગ્યાના સમયગાળાએ મૃતક શ્યામ સુંદર ચોરસિયા ટિફિન આપવા માટે નીકળેલા હતા. એવામાં તે રાત્રીના 10.30 વાગે ઘરે પરત ન ફરતા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. એવામાં તેમની તપાસ કરવામાં આવી તો પરિવારજનો તે નિકોલ મંગલ પાંડે હોલ પાસે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. તેમના સાથળના ભાગના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ મૃતકના પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા નિકોલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા 108 મારફતે સુંદર ચોરસિયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં હોસ્પિટલમાં હજાર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નિકોલ પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો સામે હત્યાની કલમ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલમાં ઘટનાસ્થળની આજુબાજુમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.