AhmedabadGujarat

ખોટી રીતે પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલનારી ટોળકીને સાયબર ક્રાઇમે રંગે હાથ ઝડપી પાડી

અમેરિકા જવા માટે આપવી ઓળતી ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરવાના એક મસમોટા કૌભાંડનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયાના નામે આ ટોળકીએ અત્યાર સુધી 500 થી પણ વધારે વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. GRE પાસ કરાવવા અમદાવાદ ના યુવક સાથે ઠગાઈ થતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના એક યુવકને આગળ વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જવું હતું. અને આ માટે ગ્રેજ્યુએશન રેકોર્ડ પરીક્ષા આ યુવકે પાસ કરવી જરૂરી હતી. જેથી તેણે ઇન્ટરનેટ પર તપાસ કરી તો સુરત શહેરમાં આવેલી વાઇસ ઈમિગ્રેશન ઈન્ડિયા નામની એક ઓફિસનું એડ્રેસ અને ફોન નંબર તેને મળ્યા હતા. ત્યાં ફોન કરતા સાગર હિરાણી સાથે તેની વાતચીત થઈ હતી. યુવકને પરીક્ષા પાસ કરાવી આપવાની ખાતરી સાગરે હતી. આ માટે સાગરે પહેલા 19 હજાર રૂપિયા અને પછી 50 હજાર રૂપિયા પરીક્ષા સમયે આપવાનું કહીને યુવક પાસેથી ફોર્મ ભરાવ્યું હતું. જે પછી પરીક્ષા આપવા માટે સાગરે યુવકને ફોન કરીને એક હોટલમાં આવવા જણાવ્યું હતું. ત્યારે યુવકને સાગર પર શંકા જતાં તેણે આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

જે પછી સાગર હિરાણીના કહેવા મુજબ યુવક હોટલમાં પરીક્ષા આપવા ગયો હતો. તે દરમિયાન સાયબર ક્રાઈમે અચાનક ત્યાં રેડ પાડીને ઓનલાઈન પરીક્ષા પાસ કરાવવાના મસ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, સાયબર ક્રાઈમે હાલ સાગર હિરાણી, મહેશ્વરી રેડ્ડી તેમજ ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપુડીને ઝડપી પાડ્યા છે. આ ટોળકીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ લોકોએ અત્યાર સુધી 500 વિદ્યાર્થીઓને આ રીતે પરીક્ષા પાસ કરાવીને વિદેશમાં અભ્યાસ માટે મોકલ્યા છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.