ઘણી વખત નાની નાની વાતને લઈને મોટો ઝઘડો થઈ જતો હોય છે. અને પછી મારામારી અને હત્યા જેવા બનાવ બનતા હોય છે. આવું જ કંઈક આણંદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં જૂના ઝઘડાનુ સમાધાન કરવા ભેગા થયેલા યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મારામારી થઈ હતી. જેમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલ, ક્રિષ્ના તેમજ તેનો ભાઈ વરૂણ તા.29 જૂનના રોજ રાતના 8.45 વાગ્યાની આસપાસ પારસ સર્કલ ખાતે આવેલ એક ચાની કીટલી એ ચા પીવા ગયા હતા. તે દરમિયાન બંટી તળપદાએ ધુળેટી સમયે થયેલ ઝઘડાની બાબતે સમાધાન કરવા માટે વરૂણ ને ફોન કરી મળવા માટે કહ્યું હતું. જેથી વરુણે બંટીને પારસ સર્કલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે થોડા સમય પછી જ મોપેડ લઈને બંટી તેમજ મીત ઠાકોર ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં બંને યુવકોએ ત્યા આવી કહ્યુ હતુ કે આમાંથી જેને તારુ નામ લીધુ હતું તે મને બતાવ. મિત ઠાકોરે તરત જ ક્રિષ્ના શર્મા તરફ આંગળી બતાવીને ઇશારો કરતા બંટી, મીત, ભયલું અને જયકિશન ઉર્ફે કાઉએ ક્રિષ્ના, વિશાલ, તેમજ વરૂણને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન મિત ઠાકોરે ગુસ્સામાં ક્રિષ્ના શર્માના માથાના ભાગમાં મોપેડની મારી દેતા ચાવી કૃષ્ણના લમણામાં ઘૂસી ગઇ હતી. તેના લીધે ક્રિષ્નાને તાત્કાલિક અસરથી આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ક્રિષ્નાનું બે કલાકના ઓપરેશન કર્યા પછી મોપેડની ચાવી બહાર કાઢી હતી. જો કે, ક્રિષ્નાની હાલત હજુ ગંભીર છે.
તમને જણાવી દઈએ કે, આ બનાવને પગલે નડિયાદ ટાઉન પોલીસ તાત્કાલિક અસરથી હરકતમાં આવી હતી. અને આ મામલે બંટી તળપદા,મીત ઠાકોર, જયકિશન ઉર્ફે કાઉ તેમજ ભયલુ ઝાલા વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.