AhmedabadGujarat

અમદાવાદમાં મી સ્ટોરની ફ્રેન્ચાઇઝીની લાલચ આપી વેપારી પાસેથી લાખો રૂપિયાની કરવામાં આવી છેતરપીંડી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવો જ એક મામલો અમદાવાદના વટવા વિસ્તારથી સામે આવ્યો છે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં કેમિકલની કંપની ધરાવનાર વેપારીને મી સ્ટોરની ફ્રેન્ચાઇઝી તથા બે ટકા કમિશનની લાલચ આપી 89.22 લાખની ઠગાઈ કરી હોવાની વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વટવામાં કેમિકલની કંપની ધરાવનાર વિશાલ શાહની ફરિયાદ અનુસાર 2021 માં શ્યામલ ચાર રસ્તા પાસે એક બિલ્ડિંગમાં તેમની દુકાન ખાલી હોવાથી જોયલ ક્રિસ્ટી નામની વ્યક્તિ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોયલ દ્વારા તેમને આ દુકાનમાં મી સ્ટોરની ફ્રેન્ચાઇઝી લેવા માટે જણાવ્યું હતું.

તેમ છતાં તે સમયે વિશાલભાઈ દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યાર બાદ 2022 માં ફરી જોયલ દ્વારા તેમનો સંપર્ક કરી તે જ કંપનીની ફ્રેન્ચાઇઝી અને નફાની માહિતીઓ આપવામાં આવી હતી. તેના લીધે વિશાલભાઈને રસ પડતા તેમણે ફ્રેન્ચાઇઝી માટેનું પ્રપોઝલ મંગાવી લીધું હતું. જેમાં તેણે 78 લાખ સ્ટોર્સ ડિઝાઇન, માલસામાન લાવવાના તથા 4.72 લાખ ફ્રેન્ચાઇઝી પેટે કંપનીને ચુકવવા પડશે. જ્યારે દરમહિને બે ટકા નફો મળશે તેવી લાલચ પણ જોયલ દ્વારા આપવામાં આવી હતી.

તેના પછી જોયલ અને મોર ઇઝી સ્ટોર્સ કંપનીના ડિરેક્ટર હરકેશ રાજપાલ દ્વારા વિશાલ શાહ સાથે મીટિંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ 82.72 લાખ અને સાથે ભાડે દુકાન લેવા બિલ્ડરને સિક્યોરિટી પેટે આપવાની લાખો રૂપિયાની રકમની વાત કરી ડીલ આગળ વધારવામાં આવી હતી. વિશાલભાઈ દ્વારા કેટલાક રૂપિયા આપ્યા બાદ આ બાબતમાં હરકેશે દ્વારા એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું હતું. તેમ છતાં સ્ટોર માટેનું કામ અધૂરુ રહેતા વિશાલ શાહ દ્વારા ફોન કરી સ્ટોર ચાલુ થવા બાબતમાં પૂછપરછ કરવામાં આવતા બંને લોકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી હતી.