GujaratSouth GujaratSurat

પ્રેમી સાથે રહેવા ક્રૂર માતાએ અઢી વર્ષના માસુમ પુત્રની કરી હત્યા, ક્રાઈમ પેટ્રોલ અને દ્રશ્યમ ફિલ્મ જોઈને બનાવ્યો પ્લાન

ક્રાઈમ પર આધારિત ફિલ્મ અને સિરિયલો જોઈને ઘણા લોકો તેમાં અપનાવેલ પ્લાનિંગ મુજબ ક્રાઈમ કરવા પ્રેરાતા હોય છે. અને પછી તેઓ એક મોટી મુસીબતમાં મુકાઈ જતા હોય છે. આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે. જ્યાં એક માતાએ પોતાના પ્રેમી સાથે રહેવા માટે થઈને પુત્રની હત્યા કરીને બાળક અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે ઉલટ તપાસ કરતા જાણવા મળ્યું કે માતાએ પ્રેમી સાથે રહેવા માટે થઈને દ્રશ્યમ ફિલ્મ જોઈને પ્લાન બનાવી પોતાના જ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ છત્તીસગઢની નયના સુખનંદન મંડાવી તેમના અઢી વર્ષના પુત્ર સાથે છેલ્લા 2 વર્ષથી સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં રહી ત્યાં જ ચણતરનું કામ કરે છે. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 28 જુનના રોજ 22 વર્ષની ઉંમરની નયના સુખનંદન મંડાવીએ જાણ કરી હતી કે, 27મીએ બપોરમાં સમયે તેનો પુત્ર રમતા રમતા ગુમ થઈ ગયો છે. તેથી ડીંડોલી પોલીસે માતાની ફરિયાદના આધારે અપહરણનો ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી હતી.  બે દિવસ સુધી સતત બાળકની તપાસ કર્યા બાદ પણ બાળક ના મળતા પોલીસને બાળકની માતા પર જ શક જતા પોલીસે ઉલટ તપાસ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું કે નયના છેલ્લા 5 વર્ષથી તેના પતિથી દૂર એકલી જ રહેતી હતી. પોલીસે જ્યારે નયનાની ઉલટ તપાસ શરૂ કરી તો નયના એ પહેલા તો આડાઅવળા જવાબ આપ્યા પરંતુ પોલીસે પોતાની આગવી ઢબે થી પૂછપરછ કરતા નયના ભાંગી પડી હતી. અને તેણે પોતે જ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જો કેઝ પુત્રનો મૃતદેહ તેણે ક્યાં છુપાવ્યો છે તેને લઈને તેણે પોલીસને ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ પોલીસે નયનાને સજા નહિ થાય તેવો વિશ્વાસ અપાવતા નયનાએ જણાવ્યું કે બિલ્ડીંગની લિફ્ટના પેસેજમાં બાળકનો મૃતદેહ છે. ત્યારે પોલીસે બાળકનો મૃતદેહ કબજે કરીને નયનાએ આવું કેમ કર્યું તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, નયનાને તેના પતિ સાથે મનમેળ ના આવતા તે છેલ્લા 5 વર્ષથી તેના પતિથી દૂર નીકળીને તેના બાળક સાથે એકલી રહે છે. અને 2 વર્ષથી સંજુ નામના યુવક સાથે તેને પ્રેમસંબંધ છે. સંજુએ નયના સમક્ષ એક શરત મૂકી હતી કે જો લગ્ન કરવા હોય તો બાળકને છોડવું પડશે. જેથી નયનાએ પ્રેમીને પામવા માવે થઈને પોતાના જ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તમને જણાવી દઈએ કે નયના સતત તેના મોબાઈલમાં ક્રાઈમ પેટ્રોલ જોવે છે. અને હત્યા કર્યા પહેલા તેણે બે વખત દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. જેને જોઈને તેણે પ્લાન બનાવ્યો કે બાળકનો મૃતદેહ હાથમાં નહીં આવે તો પોલીસ કઈ જ કરી શકશે નહીં. અને તેણે બાળકની હત્યા કરી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.