ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 7 થી 12 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનાના અંત સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનાનો વરસાદ ગુજરાતના ડેમો તેમજ જળાશયોમાં પાણી લાવશે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠે 5 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 ઓક્ટોબરના રોજ પવનનું જોર રહેશે, તો બંગાળના ઉપસાગરમાં 16મી નવેમ્બરે હવાનું હળવું દબાણ ઉભુ થશે.
તમને જણાવી દઈએ કે, ચોમાસાના પ્રારંભ બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 275 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 1 તાલુકામાં 40 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. તો 35 જેટલા તાલુકામાં 20ઇંચ થી 40 ઈંચ, 61 જેટલા તાલુકામાં 10 ઇંચથી 20 ઈંચ, 14 જેટલા તાલુકામાં 5થી 10 ઈંચ, 37 જેટલા તાલુકામાં 2થી 5 ઈંચ તેમજ 3 જેટલા તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.