GujaratRajkotSaurashtra

રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને ક્રાઈમ બ્રાન્ચે યુપીના જંગલોમાંથી ઝડપી પાડ્યો, જાણો શું હતો સમગ્ર મામલો?

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે. જ્યારે આજે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જેમાં ૧૨ દિવસ પહેલા કરવામાં આવેલ એક મહિલાની હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનાની ઓરડીમાંથી ૧૨ દિવસ અગાઉ મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે આ હત્યા તેના જ પતિ દ્વારા મહિલાને ગળેટૂંપો દઈને મોત ઘાટ ઉતારી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તરપ્રદેશનાં જંગલમાંથી આરોપીને ઝડપી પાડીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.

ઘટનાની વાત કરવામાં આવે તો મોબીન જમીન અહેમદ નામના વ્યક્તિ પર પત્નીની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના બેહરાઇચ જિલ્લાના તરાઇ જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતો. 12 દિવસ અગાઉ રાજકોટનાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં કારખાનાની ઓરડીમાંથી જાકીરાબાનુ ઉર્ફે કર્કીદ ચાંદઅલી ગદ્દીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. આ મામલામાં તપાસ કરતા પોલીસને મહિલાના પતિ પર શંકા ગઈ હતી. કેમકે મહિલાની હત્યા બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.

ત્યાર બાદ પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ સુધી આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં જાણકાર મળી કે, ઉત્તર પ્રદેશનાં જંગલમાં આરોપી છુપાઈ ગયો હતો. તેના લીધે રાજકોટથી ભાગેલા મોબીનને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમ જંગલ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ત્યાર બાદ વેશપલટો કરી મોબીનને ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, મોબીનના અગાઉ પણ લગ્ન થયા છે અને તેની પત્ની વતનમાં વસવાટ કરે છે. પત્ની હોવા છતા પાંચ સંતાનોની માતા જાકિરાબાનુ સાથે પ્રેમ થતા બંને એક વર્ષ પહેલા વતનથી રાજકોટ આવી ગયા હતા અને કોર્ટમેરેજ કરીને જોડે રહેવા લાગ્યા હતા. જાકિરાબાનુ સાથે લગ્ન કરી લીધા અંગે પ્રથમ પત્નીને મોબીન દ્વારા અજાણ રાખવામાં આવી હતી. ઈદની રજામાં વતન જવાનું મોબીન દ્વારા કહેવામાં આવતા જાકિરાબાનુને ભય લાગ્યો હતો કે, વતનમાં જઇને મોબીન તેની પત્નીને મળશે તેના લીધે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીજી તરફ પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લઇ લેવા જાકિરાબાનુ મોબીન પર દબાણ કરી રહી હતી. તેના લીધે ઉશ્કેરાઇને મોબીન દ્વારા જાકિરાબાનુની હત્યા કરી નાખવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.