અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતીનું મોત, અસહ્ય ઠંડી સહન ન કરી શકતા વડોદરાના રાજેન્દ્રભાઈ ભાટિયાનું કરુણ મોત
વરસાદી માહોલના લીધે ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રાને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તેના લીધે અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવાના રસ્તે અટવાઈ ગયા છે. જ્યારે અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા છે. અંદાજીત 30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરણીમાં ફસાયા હોવાની જાણકારી સામે આવી છે. તેમના દ્વારા ગઈકાલના વિડીયો જાહેર કરી ગુજરાત સરકાર પાસેથી મદદ માંગવામાં આવી હતી. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે. વડોદરાના એક યાત્રાળુનું આ યાત્રા દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, 58 વર્ષીય વૃદ્ધનું અમરનાથ યાત્રા દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે સમયે ફસાઈ ગયા હતા. જેમાં અમરનાથ ગયેલા વેમાલીમાં રહેનાર 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રભાઈ ભાટિયાના મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના 34 યાત્રીઓ પંચતરણીમાં ફસાઈ ગયા હતા. માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં કપડા, ટેન્ટ, ગાદલા ભીના થઈ જતા તેમની હાલત કફોડી બની ગઈ છે. એવામાં હરણીના 15 યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મોત નીપજ્યું છે. જ્યારે વડોદરાના ન્યાય મંદિર વિસ્તારના 50 વર્ષના નીરૂબેનની હાલત પણ બગડી ગઈ છે. પરંતુ હાલ ખરાબ હવામાનના લીધે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, તબીબો દ્વારા પ્રાથમિક સારવાર માટે ઇમરજન્સીમાં નીચે લઈ જવા લેટર આપવામાં હોવા છતાં તેમને લઇ જવું ઘણું મુશ્કેલ બન્યું છે.
અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાના લીધે યાત્રાળુઓ ફસાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમરનાથમાં સુરતના 10 લોકો ફસાઈ ગયા છે. જ્યારે વડોદરાના 20 લોકો પણ સાથે ફસાઈ ગયા છે. જ્યારે ફસાયેલ ગુજરાતી યાત્રાળુના ગરમ પહેરવાની ચીજ વસ્તુઓ પણ પલળી ગયેલ છે. યાત્રીઓ કાતિલ ઠંડીના લીધે ઠુઠવાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી આ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે અને ખરાબ વાતાવરણના લીધે તે બીમાર પડી ગયા છે.
નોંધનીય છે કે, ગુજરાતના લગભગ 30 લોકો અમરનાથના પંચતરમા ફસાઈ ગયા છે. આ કારણોસર તેઓને ગરમ કપડા ખરીદવા માટે બમણા ભાવ આપીને ગરમ કપડા ખરીદવા પડી રહ્યા છે. તેના લીધે ગુજરાતીઓ યાત્રીઓ સરકારને આ મામલામાં અપીલ પણ કરી છે. યાત્રાળુઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અહીં 5 રૂપિયાની મેગીના 100 રૂપિયા અમારી પાસેથી પડાવવામાં આવી રહ્યા છે. યાત્રીઓ અહીં ફસાઈ ગયા છે અને ઠંડી સહન કરવી અહીં મુશ્કેલ, અમારું રેસ્ક્યુ કરવામાં આવે.