ચોમાસાની ઋતુમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 24થી 26 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થશે. 22થી 26 જુલાઈ દરમિયાન દરમિયાન બંગાળ ઉપસાગર તેમજ ઓરિસ્સા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. અને આ સિસ્ટમ મજબૂત બનશે એટલે દેશભરમાં ખૂબ સારો વરસાદ થશે. ઉત્તરપ્રદેશ,બિહાર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
તો ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 23થી26 જુલાઈ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. ગાજવીજ અને થન્ડર સ્ટ્રોમ સાથે રાજ્યમાં 23થી 26 જુલાઈ દરમિયાન વરસાદ પડશે. મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગોધરા, દાહોદ, પંચમહાલ સહીત ગુજરાતના અનેક ભાગોમાં 23થી 26 જુલાઈ દરમિયાન ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો જુલાઈ મહિનાના અંત સુધીમાં, અમદાવાદ,વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.