અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ૨૦ તારીખના રોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટ દ્વારા સોમવારની સાંજના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે. જ્યારે આ બધાની વચ્ચે અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ દ્વારા આ કેસને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
આ અકસ્માતને લઇ સરકાર દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવી હતી અને તપાસ સમિતિમાં નીતા દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તથ્યની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તથ્યના જવાબોનું ક્રોસ વેરિફિરેશન પણ કરવામાં આવી રહ્યું છે તેમજ આજે સવારથી 2 ટીમ મૃતકોના સગા વ્હાલાના નિવેદનો લેવા માટે પણ ગયેલી છે. બોટાદ, પંચમહાલ અને સુરેન્દ્રનગર ટીમ મોકલવામાં આવી છે. આ સિવાય જેગુઆરના મિકેનિકલ સાથે RTO ની ટીમ દ્વારા કરવામાં આવી રહી અને જેનો આજે RTO રિપોર્ટ સોંપશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન તથ્ય સ્પિડ અંગે કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવી રહ્યો નથી અને તથ્ય દ્વારા સ્પિડ અંગે અલગ અલગ સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે. સિંધુ ભવન રોડ પર થાર અકસ્માત મામલે અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ઈસ્કોન બ્રિજ પર થાર ગાડીના ચાલકના વાલી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તથ્યને ઘટના સ્થળેથી સિમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે પ્રજ્ઞેશ પટેલ દ્વારા પોલીસને ફોન કરી વર્દી લખાવવામાં આવી હતી.
તેની સાથે બે દિવસના રિમાન્ડમાં દરમિયાન ઈફેક્ટિવ પુરાવા મળ્યા છે. તથ્ય સહિત કેટલાક લોકોના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. તથ્યની માતાનું નિવેદન લેવામાં આવ્યું છે. જ્યારે ઘટનાસ્થળ પર રહેલા અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. તથ્ય પટેલના સોશિયલ મીડિયાની પણ તપાસ કરવામાં આવી છે. જ્યારે જેગુઆર કારના માલિક હિંમાશુ વરિયાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.