ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ભારે તબાહી મચાવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે હવે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 તારીખના એટલે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાનું છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના લીધે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેવાનો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20 % વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે. તેમ છતાં દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે.
તમને જણાવી દઈએ કે, શનિવારના રોજ જૂનાગઢમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જુનાગઢમાં ભારે વરસાદના લીધે ભારે તબાહી જોવા મળી હતી. જૂનાગઢ ભારે વરસાદના જૂનાગઢ દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાવા લાગ્યા હતા. તેના લીધે જૂનાગઢવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.