AhmedabadGujarat

અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં લાગી ભીષણ આગ, દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ૨૯ ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસન સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે. હાલમાં આ ઘટના ને લઈને કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હોવાની જાણકારી સામે આવી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 25 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાના લીધે બેઝમેન્ટમાં પાર્ક કરવામાં આવેલ વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે આગને કાબૂમાં લેવા માટે રોબોટની પણ મદદ લેવાઈ રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ મોટી હોવાના લીધે મેજર કૉલ જાહેર કરાયો છે. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાના લીધે આગ લાગી હોય તેવી પ્રાથમિક જાણકારી મળી છે.