પાડોશીની હેવાનીયત : એકલતાનો લાભ ઉઠાવીને આધેડ વયના પાડોશીએ સગીરાને કર્યા શારીરિક અડપલાં
કહેવાય છે કે પહેલો સગો પાડોશી. કેમ કે આપણને ગમે ત્યારે જરૂર પડે સુખ હોય કે દુઃખ સગા સંબંધીઓ પછી આવે સૌથી પહેલા પાડોશી આપણા કામમાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત પાડોશી હેવાનને પણ સારો કહેવડાવે તેવા નીકળતા હોય છે. આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે. જ્યાં એક પાડોશીએ એકલતાનો લાભ ઉઠાવીને 10 વર્ષની ઉંમરની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલા એક ગામમાં 10 વર્ષની ઉંમરની એક સગીરા તેની બહેન સાથે એકલી ઘરે હતી. ત્યારે તેમના ઘરની બાજુના જ રૂમમાં વસવાટ કરતો 48 વર્ષની ઉંમરના એક આધેડ પાડોશીએ સગીરાની બહેનને પૈસા આપીને દુકાન પર કંઈક લેવા માટે મોકલી હતી. જે દરમિયાન આ 48 વર્ષની ઉંમરના આધેડે 10 વર્ષીય સગીરા પર નજર બગાડીને એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. સગીરાની બહેનને દુકાન પર મોકલીને આ આધેડ 10 વર્ષની સગીરાને પોતાના રૂમમાં ખેંચી ગયો હતો અને પછી તેણે પોતાનો હાથ સગીરાના છાતીના ભાગે ફેરવીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને વધુમાં આધેડે સગીરાને ધમકી આપી કે જો તે સહેજ પણ અવાજ કર્યો તો તને જાનથી મારી નાખીશ.
નોંધનીય છે કે, આ ઘટનાને પગલે સગીરા ડરી ગઈ હતી. ત્યારે તેના હાવભાવ જોઈને તેના માતા-પિતાને લાગ્યું કે કંઈક તો થયું છે. તેથી માતા પિતાએ જ્યારે સગીરા સાથે બેસીને વાતચીત કરી ત્યારે સગીરાએ બધી જ હકીકત જણાવતા સગીરાના માતા પિતાના ઓગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે સગીરાના માતા પિતાએ આ સમગ્ર મામલે પાડોશી 48 વર્ષીય બિરજુ ભૂઇયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.