વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકતા પહેલા આ સમાચાર જરૂર વાંચી લેજો, નહીંતર ચૂકવવી પડશે મોટી કિંમત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનાર લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી કચરો ફેંકનાર લોકો સામે કાર્યવાહી કરી છે. આ તમામ લોકોને મહાનગરપાલિકા દ્વારા એક હજાર લેખે 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકવાની અનેક ફરિયાદ સામે આવી હતી. એવામાં આ ફરિયાદોના લીધે વડોદરા મહાનગરપાલિકા ની ટીમ સક્રિય બની હતી. વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ પાલિકાની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા બ્રિજ, રાત્રી બજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલ પાંડે રોડ પર CCTV ગોઠવી દેવામાં આવ્યા છે.
એવામાં મહાનગરપાલિકા દ્વારા આ CCTV થી નદીમાં કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી હતી. મનપા દ્વારા લગાવવામાં આવેલ CCTV કેમેરામાં 25 લોકો વિશ્વામિત્રી નદીમાં કચરો નાખતા જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમના વાહનની નંબર પ્લેટ પરથી આરટીઓમાંથી વાહન માલિકની જાણકારી પ્રાપ્ત કરી મનપાની ટીમ તેમના સુધી પહોંચી ગઈ હતી. તેના પછી પાલિકાની ટીમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા બદલ આ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાની ટીમ દ્વારા વાહનના નંબરના આધારે 25 લોકોને શોધીને 1 હજાર લેખે 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.