GujaratSouth Gujarat

લો બોલો…મંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજીને દેશી દારૂ પી ગયા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણીમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યારે આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવા માટેની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. એવામાં આજે પણ દેશી દારૂનો નૈવેધ ચડાવવામાં આવ્યો હતો. તેની સાથે પૂજા દરમિયાન એક લીલી બોટલમાં દેશી દારુ પણ રહેલો હતો તે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવોને અપાયો હતો.

તેમ છતાં રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોવાના લીધે ભૂલથી દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. ત્યાર બાદ ત્યાં ઉભેલા લોકો દ્વારા મંત્રીને કહેવામાં આવ્યું કે, આ તો ધરતીમાતાને અર્પણ કરવા માટે છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ અને તેમને કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે હું આ બાબતમાં કંઈપણ જાણતો નહોતો.

રાઘવજી પટેલ દ્વારા મીડિયા સમક્ષ આ બાબતમાં જણાવવામાં આવ્યું કે, મને અહીંની પરંપરાઓ વિશે વધુ જાણકારી નથી. અહીંની વિધિઓ અને રિવાજોથી હું અજાણ રહેલ છું. હું પ્રથમ વખત અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃતને હાથમાં આપવામાં આવે છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ તેને વાસ્તવમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. આ મારા ખ્યાલ બહારની આ વાત હતી તેના લીધે મારાથી આવું થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા મોટી પહેલ શરુ કરવામાં આવી છે અને આજે એટલે 9 મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.