સુરેન્દ્રનગર : ફૂડ પોઈઝનિંગની 28 થી 30 વિદ્યાર્થિનીઓને અસર
સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગનો મામલો સામે આવ્યો છે. તેના લીધે ૨૮ થી 30 વિદ્યાર્થિનીઓને અસર પહોંચી છે. રાત્રીના જમ્યા બાદ બનેલી આ ઘટનામાં ૨૮ થી 30 વિદ્યાર્થિનીઓની તબિયત બગડી ગઈ હતી. જમ્યા બાદ અચાનક જ એક બાદ એકને ઝાડા-ઉલટી થવા લાગતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં તમામ વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ રહેલા છે. તેમ છતાં કોઈની પણ હાલત ગંભીર હોવાનું સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં આવેલ દરબાર બોર્ડિંગમાં રહેનાર વિદ્યાર્થિનીઓની ગઈ કાલ રાત્રીના દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત બગડી ગઈ હતી. દરબાર બોર્ડિંગમાં રહેનાર વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પેટમાં દુઃખાવાની અને ઉલટીઓ થવાની ફરિયાદો બાદ તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
ત્યાર બાદ વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરાઈ હતી. આ બાબતની જાણકારી મળતા જ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ સિવાય વિદ્યાર્થિનીઓના પરિવારજનોને જાણ થતા તે પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ રહેલ છે.