VadodaraGujarat

વડોદરાના ભોજ ગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 10 મહિલા ઈજાગ્રસ્ત

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રસંગ દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એવામાં વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામથી આવા જ સમાચાર સામે આવ્યા હતા.

વડોદરાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ આ ઘટનામાં 10 જેટલી મહિલાઓ ઇજા પહોંચી છે. તેને લઈને તમામ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં બંને જૂથને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, મહેસાણાના ખેરાલુમાં પણ શ્રી રામયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જાણકારી મુજબ, રામયાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન એક ઘરના ધાબા પરથી પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. ત્યાર બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી યાત્રા શરૂ કરાઈ હતી.

આ સિવાય સમગ્ર ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેમકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પથ્થરમારામાં કેટલાક લોકોને સામાન્ય ઇજા થઈ હતી. પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન ત્રણ ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલે 15 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.