ગુજરાતમાં ફરી કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના લીધે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાનું છે. તેની સાથે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. જ્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો બન્યા રહેશે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, ગુજરાતમાં પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનું છે. હવામાન વિભાગના રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ-કોઈ વિસ્તારોમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી અને નલિયામાં 10.5 ઓછું તાપમાન રહ્યું છે. વાદળોના લીધે તાપમાનમાં વધારો રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વાદળો જોવા મળશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેવાના છે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા રહેલી છે. તેની સાથે આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે. ફેબુઆરીના પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે.