વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનની છત તૂટતા ત્રણ વ્યક્તિ દટાયા હોવાનું સામે આવ્યું છે. મકાનની એકાએક છત તૂટતા કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, ડભોઈના તાલુકાના નારીયા ગામમાં રહેનાર અરવિંદભાઈ શંકરભાઈ વણકરનું મકાન તોડવાનું કામ ગામમાં રહેનાર કાનજીભાઇ કાશીભાઇ વણકર, રતિલાલ દલસુભાઇ વસાવા અને કિરણભાઇ શનાભાઇ વસાવા દ્વારા રાખવામાં આવ્યું હતું. આ ત્રણેય વ્યક્તિ મકાન તોડવાનું કામકાજ કરતા હતા. એવામાં મકાનની છત એકાએક ધરાશાયી થતાં કાનજીભાઇ, રતિલાલ અને કિરણભાઇ છતના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. એવામાં અવાજ થતા સ્થાનિક લોકો મદદે આવી દોડ્યા હતા. તેમના દ્વારા કાટમાળ દૂર કરીને દટાયેલા ત્રણેય વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં આ દુર્ઘટનામાં કાનજીભાઇ વણકરનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત થેલા રતિલાલ વસાવા અને કિરણભાઇ વસાવાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવામાં આવ્યા હતા. તેની સાથે તબીબો દ્વારા તાત્કાલિક સારવાર આપી બંને લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં કાનજીભાઈ વણકરનું મોત નિપજતાં સમગ્ર ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
તેની સાથે મકાન માલિક અરવિંદભાઇ વણકરની વાત કરીએ તો તે જુનું મકાન જમીનદોસ્ત કરીને તેજ જગ્યા ઉપર નવું મકાન બનાવવા ઈચ્છી રહ્યા હતા. પરંતુ મકાન જમીનદોસ્ત કરતા સમયે આ કરૂણ ઘટના ઘટી હતી. ડભોઇ પોલીસ દ્વારા આ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરી હતી. આ સિવાય પોલીસ દ્વારા ઘટનામાં મોતને ભેટેલા કાનજીભાઇ વણકરનો મૃતદેહ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.