સુરત તોડકાંડને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યુંમોટું નિવેદન
આટરીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા કરોડોનાં તોડકાંડ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા સંચાલકોને બ્લેકમેઈલ કરી તોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈ વ્યક્તિ બ્લેકમેઇલ કરે તો શિક્ષણ વિભાગના અધિકારીઓને તમે ફરિયાદ કરો. તેમજ આવા લોકો સામે શિક્ષણ વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી કરાશે. શાળા સંચાલકોને બ્લેકમેઈલ કરવાની પ્રવૃત્તિ ઓ ચલાવી લેવામાં આવશે નહીં.
તેમને વધુમાં જણાવ્યું છે કે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન માટે સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને તેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ જેમના વિરુદ્ધ ગાંધીનગરમાં શાળા સંચાલકો દ્વારા બ્લેકમેઈલ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે CID ક્રાઈમ દ્વારા મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. મહેન્દ્ર પટેલ દ્વારા 18 શાળાના સંચાલકો ને ધમકાવીને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, CID ક્રાઈમ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 1 કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને 400 કરતા વધુ ફાઈલો મળી આવેલ છે. આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, મહેન્દ્ર પટેલ ને વર્ષ 1995 માં શાળાઓમાં બાળફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો હતો. ત્યાર બાદ તેના શિક્ષણ ખાતામાં સંપર્કો વધતા તેનો દૂરપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી મહેન્દ્ર પટેલ ની ધરપકડ કરીને CID ક્રાઈમની ટીમ દ્વારા રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જેમાં 2 તારીખ સાંજનાં 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.