VadodaraGujarat

વડોદરાની ખાનગી ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, ત્રણ કામદારોનાં મોત

વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ હતી. બ્લાસ્ટમાં ચાર કામદાર ઇજાગ્રસ્ત થવાના લીધે તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ કામદારનાં કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક ઈજા પહોંચતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા એકલબારા ગામ પાસે આવેલી ઓનીરો લાઇફ કેર કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ સર્જાયો હતો. કંપનીના એમઇ પ્લાન્ટમાં ગેસ-લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લીધે સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને તેમના દ્વારા 108 અને પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 4 કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 દ્વારા સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં ત્રણ કામદારનાં મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે એક કામદાર સારવાર હેઠળ રહેલ છે.

જ્યારે મૃતક અને ઈજાગ્રસ્ત કામદારોના પરિવારજનો આ મામલાની જાણકારી મળતા તે હોસ્પિટલે દોડી આવ્યા હતા. પરિવારજનો દ્વારા મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી ન્યાય મળશે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં. જવાબદાર સામે પગલાં ભરવા માગ કરાઈ હતી. ત્યારે પરિવારજનો દ્વારા સમાજના આગેવાન લખન દરબારને આ મામલામાં રજૂઆત કરાઈ છે.

વડોદરાના કલેક્ટર અતુલ ગોરે દ્વારા ઘટનાને લઈને જણાવવામાં આવ્યું છે કે, એકલબારાની ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિને ઇજા થઈ તેમાંથી ત્રણના મૃત્યુ નીપજ્યા છે. એકની સારવાર હેઠળ રહેલ છે. ડિસ્ટ્રિક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ટીમ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. કંપની દ્વારા મૃતકના પરિવારને 25-25 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ દુર્ઘટનામાં ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર, નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી અને રમેશભાઈ ગણપતભાઈ પઢિયાર નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ દુર્ઘટનામાં મયુર લાલજીભાઈ પઢિયારને ઈજા પહોંચી છે.