વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ વડોદરા શહેરના શાળા સંચાલકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો માટે એક માર્ગદર્શિકા બહાર પડાઈ છે. જેમાં બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત નીપજ્યા બાદ શાળા સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ વિવાદોમાં ઘેરાયા છે. ત્યારે હવે વડોદરા શહેરમાં આવેલી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા બાળકોની સલામતી માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા શાળાની બહાર કોઈ પણ પ્રવાસ, પ્રવૃત્તિ કે કાર્યક્રમ ટાળવા માટે તેમજ શાળામાં ફાયર સેફટી અને વીજ ઉપકરણોનું નિયમિત પણે પરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે તમામ શાળા દ્વારા બી. યુ તેમજ ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવી લેવા પણ તાકીદ કરાઈ છે. આ સાથે શાળાના મકાનો જુના હોય તો સક્ષમ અધિકારી પાસેથી સ્ટેબિલિટી સર્ટી અને શાળાના ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે પણ RTO ના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવેલ છે. તેમજ ખાનગી વાહનોમાં મોકલવામાં આવતા બાળકોની જવાબદારી વાલીઓ માથે ઢોળી દેવાઈ છે.
તેની સાથે વાલી મંડળ દ્વારા પણ શાળા સંચાલકોના આ નિર્ણયને આવકારી લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, શાળા સંચાલકો દ્વારા આ નિર્ણયો વહેલા લેવાની જરૂરીયાત હતી, કારણે કે આ નિર્ણયથી આવનાર સમયમાં ચોક્કસ બાળકોનું હિત જળવાશે અને આ નિયમો બનાવ્યા તેનું ચુસ્ત પણે પાલન થવું તેટલું જ જરૂરી રહેલ છે. તેની સાથે જ શાળા સંચાલકો દ્વારા એક સમિતિ બનાવી જેમાંથી વાલીઓને બાકાત રખાયા છે. ત્યારે આ સમિતિમાં વાલીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે. તેની સાથે વાલીઓ પાસે આવતી ફરિયાદો અને સૂચનોને શાળા સંચાલકો સુધી સરળતાથી પહોંચાડવામાં આવી શકે છે.