GujaratAhmedabad

અમદાવાદ : શાહઆલમમાં કોર્પોરેટર પર નાના ભાઈએ કર્યું ફાયરિંગ, જાણો શું છે સમગ્ર મામલો?

અમદાવાદના શાહઆલમમાં જમીન બાબતે બે ભાઇઓ વચ્ચેનો મામલો સામે આવ્યો છે. આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે, નાના ભાઈ દ્વારા કોર્પોરેટર ભાઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇસનપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણકારી મુજબ અમદાવાદનાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ આલમ તિરમિઝી અને તેમના ભાઈ નકી આલમ તિરમિઝી વચ્ચે શાહઆલમમાં જમીન મામલામાં ઘણા વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે. એવામાં આજે જમીન બાબતમાં ફરીથી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મામલો ઉગ્ર બની ગયો હતો. જેમાં નકી આલમ દ્વારા તસલીમ આમલ અને તેમના દીકરા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ફાયરિંગ દરમિયાન કોઇને પણ ઇજા પહોંચી નહોતી. ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થતાં તસલીમ આલમના દીકરાને ઈજા પહોંચતા તેને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ઇસનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલામાં ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ દીપક ઉનડકટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફાયરિંગ અંગેનો મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. FSL ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ મારામારી દરમિયાન બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.