ડીસામાં બનાસ પુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી ગયા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ડીસાથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસામાં બનાસ પુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ રિક્ષાને ટકરાતા રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડીને બસમાં ઘુસી જતા કંડકટર સહિત આઠ લોકોને ભારે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ડીસામાં બનાસપુલ નજક બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ધાનેરા – અમદાવાદ બસ ડીસામાં બનાસપુલ પાસેથી જઈ રહી હતી તે સમયે બસ ચાલક દ્વારા રીક્ષાની ઓવરટેક કરવા જતા અચાનક રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસી આવતા અકસ્માત સર્જાયો હતો. તેના કંડકટર સહિત આઠ જેટલા પેસેન્જરને ભારે ઈજા પહોંચી હતી. લોખંડના સળિયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા.
ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ બે ડીસાની અને એક ગઢની એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમો ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. તેના દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ ગંભીર બનતા તેમને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકી ત્યાંથી નાસી ગયો હતો.