રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં હવે રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. તેની સાથે રાજ્યના વાતાવરણમાં હવે ધીરે ધીરે પલટો જોવા મળશે અને ઉનાળાનો અહેસાસ થવા લાગશે. એટલે કે, સામાન્ય ગરમીની શરૂઆત થઈ જશે.
તેની સાથે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાનમાં વધારો થયો છે. તેના લીધે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આ સિઝનમાં પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર પહોંચી ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી નોંધાયુ હતું. અમદાવાદ લઘુત્તમ 18.3 અને મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તેની સાથે ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 અને મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 18 થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમની શરૂઆત થશે. તેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે. આ સિવાય માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. વધુમાં તેમને જણાવ્યું છે કે, 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં જોવા મળશે.