જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા મામલામાં મોટા અપડેટ
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની 13 તારીખના રોજ બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન 10 જેટલા શખ્સો દ્વારા તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, હારુન પાલેજા હત્યાના કેસમાં સાયચા ગેંગના 15 આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા આ હત્યા કેસમાં બસીર સાયચાને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સાથે આ અગાઉ પોલીસ દ્વારા સાયચા ગેંગના સભ્યોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગત 13 માર્ચના રોજ એડવોકેટ હારુન પાલેજા કોર્ટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે માથાભારે વ્યક્તિઓ દ્વારા જાહેરમાં અસંખ્ય છરીના ઘા મારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. એડવોકેટ હારુન પાલેજા જામનગરના ખ્યાતનામ વકીલ રહેલા હતા. તેમજ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ પણ રહેલા હતા. એડવોકેટ હારુન પાલેજાની હત્યા મામલામાં જામનગરમાં વકીલો દ્વારા આરોપીઓ ઝડપાઈ નહીં ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેની સાથે વકીલ હારુન પાલેજાની હત્યામાં જવાબદાર સાયચા ગેંગના ત્રણ બંગલા, 6 મિલકતો પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તેની સાથે 55 હજાર વર્ગ ફુટની કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી. આ મામલામાં જામનગરના પચવટી વિસ્તારમાં રહેનાર એક શિક્ષિકાને આત્મહત્યાને મજબૂર કરવા માટેનો સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયચા ગેંગના બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાલતમાં જામીન અરજીની સુનાવણી વખતે અદાલતી તારીખમાં શિક્ષિકા આપઘાત કેસના ફરિયાદી બનેલા મૃતકના ભાઈ અને તેના વતી કેસ લડતા વકીલ હારૂન પલેજા કે જેને અદાલતમાં ધાકધમકી આપવામાં આવી હતી. આ મામલાનો બીજો ગુનો પણ પોલીસમાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વકીલ હારુન પાલેજાની પણ જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.