GujaratAhmedabad

અમદાવાદમાં હવે શ્વાન પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે, જાણો નવો નિયમ…

અમદાવાદમાં પાળતુ શ્વાન રાખનાર લોકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, હવે અમદાવાદમાં પાળતુ  શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું જરૂરી છે. આ લાયસન્સ 500 થી 1000 રૂપિયા ભરીને પ્રાપ્ત કરી શકાશે. તેના માટે શ્વાનને RFID ચિપ પણ લગાવવામાં આવશે. તેની સાથે શ્વાનના માલિક શ્વાનનું રસીકરણ કરાવવું પણ પડશે અને રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાનું રહેશે. આ સિવાય શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ અપલોડ કરવો પડશે.

તમને જણાવી દઈએ કે, પાળતુ શ્વાન માટેના નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કૂતરા ના માલિક ને એ ધ્યાન રાખવું પડશે કે, કૂતરાથી આજુબાજુ લોકોને હેરાનગતિ પહોંચે નહીં. તેની સાથે આ કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો તેની પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડશે. કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન કરાશે.

તેની સાથે મ્યુનિસિપાલિટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, થોડા દિવસોમાં વિવિધ પ્રકારના કૂતરાને કેટેગરાઇઝ કરીને તેની કેટેગરી અનુસાર લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે. તેમ છતાં શ્વાન કેટેગરી ઓ નક્કી કરવામાં ના આવતા હાલમાં 500 થી ૧૦૦૦ રૂપિયા લાઈસન્સ ફી તરીકે લેવામાં આવશે. જ્યારે આગામી દિવસોમાં કેટેગરી અનુસાર ફીની રકમ માં વધારો થઈ શકે છે.

જાણકારી મુજબ, અમદાવાદ શહેરમાં 2019 માં થયેલી વસ્તી ગણતરી અનુસાર અંદાજીત 2.30 લાખ શ્વાન રહેલા હતા. આ સિવાય શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવાનું અને શ્વાનને RFID ચીપ પણ લગાવવાનું પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવશે. તેના માટે મ્યુનિસિપાલિટી દ્વારા 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે અને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.