અમદાવાદ શહેરમાં ગઈકાલના રવિવાર બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે ભારે પવન ફૂંકાવાના લીધે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી. એવામાં આજે સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની આગાહી કરી છે.
નોંધનીય છે કે, રવિવારની સાંજના વાતાવરણમાં ફેરફાર આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થયો હતો. જ્યારે ભારે પવન ફૂંકાતાં ધૂળની ઊંચી-ઊંચી ડમરીઓ પણ ઉડવા લાગી હતી. એવામાં આજે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે આજે વહેલી સવારના થોડા પ્રમાણમાં કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ તાપમાનનો પારો ઉંચો ગયો હતો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. પરંતુ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાના લીધે ગરમીનો અહેસાસ ઓછા પ્રમાણમાં રહેશે. તેની સાથે શહેરમાં 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ સિવાય સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલના કમોસમી વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
તેની સાથે 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો વધે તેવી શક્યતા છે. તેના લીધે ગુજરાતવાસીઓને થોડા દિવસની ગરમીથી રાહત બાદ ફરીથી ઉનાળાનો કહેર સહન કરવાનો વારો આવશે. આગામી 48 કલાક બાદ ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ પૂર્ણ થયા બાદ રાજ્યમાં ફરી ગરમીનું જોર વધવાનું છે. જ્યારે આ આગાહીના આધારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પાર જવાની શક્યતા છે.