SaurashtraGujarat

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન થતા સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. શ્રી મદનમોહનદાસ બાપુ શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા ગોળીબાર હનુમાનજી મંદિરના વર્ષોથી મહંત રહેલા હતા. તેમના દ્વારા અહીં 62 વર્ષથી વધુ સમય સેવા બજાવવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મદનમોહનદાસ બાપુનો મોટો ભક્ત સમુદાય રહેલો છે. આજે સવારના 7 થી 10 કલાક સુધી તેમના પાર્થિવદેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, ગૌ સેવામાં ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના લીધે મંદિર ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત છે. ગોળીબાર મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની 62 વર્ષથી વધુ સમયથી સેવા કરી રહ્યા હતા. બાપાની ઉમર 115 વર્ષથી વધુની થઈ હોવાના લીધે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ સક્રિય રહેલા હતા. નાની દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ મહંત મદનમોહનદાસજી બાપાની મહેનતથી થયેલ છે.

ઉલ્લેખનીય છે કે, મહંત મદનમોહનદાસજી બાપા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી-જુદી જગ્યાએ રહેનાર લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપતા હતા. આ મંદિરમાં રોજ સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરાઈ છે. મદનમોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહિ પરંતુ હિન્દૂ ધર્મની માતા ગાયો માટે મસીહા રહેલા હતા. મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી.