AhmedabadGujarat

હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની કરી આગાહી

રાજ્યમાં ધીરે-ધીરે ચમાસુ બેસતું જોવા મળી રહ્યું છે. દરેક જિલ્લાઓ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એવામાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે દાંતીવાડામાં 1.5 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે આજથી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ બન્યો છે. જ્યારે આંકડા મુજબ, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52 % વરસાદ નોંધાયો છે. તેની સાથે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. તેની સાથે આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ વરસવો જોઈતો હતો.

આ સિવાય હવામાન વિભાગે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં પણ વરસાદી માહોલની આગાહી કરી છે.