SaurashtraGujaratRajkot

રાજકોટ અગ્નિકાંડ મામલામાં થયો મોટો ખુલાસો, TRP ગેમ ઝોન ના સંચાલકો પાસેથી લાંચ લીધા ની મનસુખ સાગઠિયાએ કરી કબૂલાત

રાજકોટ અગ્નિકાંડને લઈને SIT દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં વધુ એક ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા દ્વારા કબુલવામાં આવ્યું છે કે, તેમના દ્વારા લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોન નું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું નહોતું. આ બાબતમાં એસીબીના એક અધિકારી દ્વારા નામ નહીં લખવાની શરતે જણાવવામાં આવ્યું છે. આ સિવાય તે પણ જણાવ્યું છે કે, મનસુખ સાગઠિયા દ્વારા અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, 2021 માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરાયો હતો. ત્યારબાદ ના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદેસર બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરી દેવાયો હતો. જે તે સમયે મનપાની ટી પી શાખા દ્વારા તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ સિવાય કરોડોની અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબી પાસે છ દિવસના રિમાન્ડ પર રહેલા સાગઠિયા દ્વારા અંતે કબૂલવામાં આવ્યું છે કે, તેણે ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદેસર બાંધકામ લાંચ લઈને તોડ્યું નહોતું.

રાજકોટમાં નાનામવા રોડ પર TRP ગેમ ઝોનમાં તારીખ 25 મે 2024 ના રોજ બપોર બાદ વિકરાળ આગ ફાટી નીકળતા ૨૮ લોકોના જીવ ગયા હતા. જ્યારે આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી પણ સામે આવી હતી કે, ગેમ ઝોનમાં ફાયર NOC જ રહેલા નહોતું.

ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની મિલકત મળી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો રહેલી છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012 વર્ષથી લઈ 2024 ની વર્ષ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકઠી કર્યાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.