બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા શાહરૂખ ખાનને મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્મ રઈસ ના નિર્માતાઓ સામે આઠ વર્ષ જૂના માનહાનિ ના કેસમાં ગેંગસ્ટર અબ્દુલ લતીફ ના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતા નીચલી કોર્ટના આદેશ ને રદ્દ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રઈસ’ નું એક પાત્ર અબ્દુલ લતીફ પર આધારિત હોવાનું સામે આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, 2016 માં લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે ફિલ્મ ‘રઈસ’ અંગે કેસ શરૂ થયાની તારીખ થી 18 ટકા વ્યાજ સાથે રૂ.101 કરોડનું વળતર માંગવામાં આવ્યું હતું. આ કિસ્સામાં, તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ દ્વારા તેના પિતાની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. મુસ્તાક નું અવસાન 6 જુલાઈ, 2020 ના રોજ ફિલ્મ રિલીઝ થયા બાદ નીપજ્યું હતું. તેમના મૃત્યુ બાદ મુસ્તાક ની વિધવા અને બે પુત્રીઓ દ્વારા બદનક્ષી ના કેસમાં વાદી તરીકે જોડાવા માટે અરજી કરવામાં આવી હતી.
આ બાબતમાં નીચલી કોર્ટ દ્વારા મુસ્તાક ની વિધવા અને બે પુત્રીઓની આ કેસમાં વાદી તરીકે સામેલ કરવાની અરજી મંજૂર કરવામાં આવી હતી. નીચલી કોર્ટના નિર્ણયને શાહરૂખ ખાન અને અન્યો દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં શાહરૂખ ખાન સિવાય તેની પત્ની ગૌરી ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ફરહાન જાવેદ અખ્તર અને રાહુલ ધોળકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદીનું મૃત્યુ નીપજ્યું છે. આ કારણોસર માનહાનિનો કેસ દાખલ કરી શકાય નહીં. તેમ છતાં નીચલી કોર્ટ દ્વારા તેમની માંગ ને ફગાવી દેવામાં આવી હતી.