VadodaraGujarat

વડોદરામાં સરાર ગામમાં જમાઈ એ સાસુની હત્યા કરી કર્યો આપઘાત, પત્નીની પર પણ કર્યો જીવલેણ હુમલો

વડોદરા પાસે આવેલ સરાર ગામમાં જમાઈ દ્વારા પોતાની પત્ની અને સારું પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સાસુનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તેની સાથે પત્ની અને સાસુ પર જીવલેણ હુમલો કર્યા બાદ જમાઈ દ્વારા પોતાના શરીર પર ચપ્પુના ઘા ઝીકી આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા જિલ્લાના સરાર ગામમાં રહેનાર સંજયભાઈ કાન્તિભાઈ વસાવા ની દિકરી મનીષા ના લગ્ન એક વર્ષ અગાઉ અંકલેશ્વર તાલુકાના જુના દિવી ગામમાં રહેનાર મહેશભાઇ પટેલના પુત્ર જીગ્નેશ સાથે થયેલા હતા. લગ્ન બાદ અંકલેશ્વર સાસરીમાં પતિ સાથે રહેનાર મનીષાને પતિ સાથે પણ અવારનવાર ઝઘડો થતાં માતા-પિતાના ઘરે સરાર ગામમાં રહેવા માટે આવતી રહેતી હતી.

તેની સાથે મનીષા છેલ્લા 15 દિવસ થી અંકલેશ્વર સાસરીમાંથી સરાર ગામમાં માતા-પિતાના ઘરે આવીને રહેવા લાગી હતી. એવામાં બપોરના સમય ગાળામાં પતિ જીગ્નેશ પટેલ સરાર ગામમાં સાસરીમાં આવી પહોંચતા સાસુ સુધાબેન વસાવા દ્વારા જમાઈને આવકાર આપી ઘરમાં બેસાડવામાં આવ્યો હતો. જ્યારે પત્ની કે સાસુ કઈ વાત કરે તે પહેલા જ જમાઈ જીગ્નેશ દ્વારા સાસુ સુધાબેન વસાવા અને પત્ની મનીષા પટેલ પર તીક્ષ્ણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સુધાબેન વસાવાનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પત્ની મનીષાને પેટના નીચેના ભાગે ચપ્પુના ઘા મારી દેતા તે પણ લોહીલુહાણ હાલતમાં ઘરમાં પટકાઇ હતી.

ત્યાર બાદ જીગ્નેશે સાસુ અને પત્નીને મોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનું સમજી તેને પોતે પણ ચપ્પુથી પોતાના શરીર પર વાર કરીને આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ અને વરણામા પોલીસને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પત્ની મનીષાનો શ્વાસ ચાલતો હોય તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જીજ્ઞેશ અને મનીષાના આંતર જ્ઞાતિ લગ્ન થયા હતા. જ્યારે લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા થતા રહેતા હતા. અંતે આ ઝઘડાનું ખરાબ પરિણામ આવ્યું છે. મનીષાને માતા અને પતિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.