North GujaratGujaratMehsana

રણુજાથી પરત ફરી રહેલા પરિવારનો સર્જાયો ભયંકર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડગામના તેનીવાડા ના અધુરિયા બ્રિજ નજીકથી સામે આવ્યો છે.

વડગામના તેનીવાડા ના અધૂરિયા બ્રિજ નજીક સ્વિફ્ટ કાર નો ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ટકરાઈ જવાના લીધે ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરીને ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે તેનો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને લઈને જણાવી દઈએ કે, મહેસાણા ના ગાંભુ ગામ નો અને હાલ મહેસાણા ના દેદિયાસણ ના ગોકુલધામ ફ્લેટમાં રહેનાર સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા ખાતે બાબા રામદેવપીરનાં દર્શન કરવા માટે ગયેલો હતો. જ્યારે આજે પરત આવતા સમયે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ નજીક કાર ડિવાઇડર થી ટકરાઈ ગઈ હતી. તેની સાથે આ ટક્કર એટલી ભયંકર હતી કે, કારના આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી વિનુભાઈ ચીમનલાલ સુથાર તેમના પત્ની ગીતાબેન વિનુભાઈ સુથાર અને ડ્રાઇવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી છે.

અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા 108 અને છાપી પોલીસ ને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. છાપી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.