SaurashtraGujaratMorbi

હળવદ તાલુકાના ઢવાણા ગામની દુઃખદ ઘટના : ટ્રેક્ટર સાથે તણાયેલા 8 માંથી 7 ના મૃતદેહ મળી આવ્યા, એક હજુ પણ ગુમ

મોરબીના હળવદ તાલુકાના ઢવાણા ગામ થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાના લીધે આઠ લોકો ગુમ થઈ ગયા હતા. જેમાંથી સાત વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાની જાણકારી સામે આવી છે. તેને શોધવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા ચાર બોટ સાથે તે વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા મૃતકોને સરકાર તરફથી ચાર ચાર લાખની સહાય આપવાનું કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, 25 તારીખની રાત્રીના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના ઢવાણા થી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા પર કોઝવેમાં વરસાદી પાણી આવી જતા ટ્રેક્ટર નો મોટો અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક્ટર માં ડ્રાઇવર સહિત કુલ મળીને સત્તર લોકો જુના ઢવાણા થી નવા ઢવાણા ગામ તરફ જઈ રહ્યા હતા. એવામાં અચાનક આ ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાના લીધે તમામ લોકો તણાઈ ગયા હતા. જ્યારે તેમાંથી નવ લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષ આમ કુલ મળીને આઠ લોકો પાણીમાં તણાઈ ગયા હતા. ત્યાર બાદ તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે આ મામલામાં વધુમાં જણાવી દઈએ કે, મંગળવાર ના આઠ પૈકીના ત્રણ વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળ્યા હતા. ત્યારબાદ બુધવાર રાત્રીના સુધીમાં વધુ ચાર લોકોનો મૃતદેહ મળી આવ્યા છે. તેમ છતાં હજુ પણ એક વ્યક્તિ ગુમ રહેલ છે. તેને શોધવામાં માટે કામગીરી યથાવત રાખવામાં આવી છે.

તેની સાથે આં બાબતમાં જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  ઢવાણા ગામ પાસે સર્જાયેલ આ દુઃખદ દુર્ઘટનામાં જે વ્યક્તિઓ હજુ પણ ગુમ છે. તેને શોધવા માટે તેને એનડીઆરએફની ટીમ ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયાની સહાય અપાશે.