દેશના સૌથી સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત શહેરે મારી બાજી, પ્રથમ નંબરે આવતા મળશે આ ઇનામ
હાલમાં દેશના 131 શહેરોની સૌથી સૌથી સ્વચ્છ શહેરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત શહેરે આ વખતે પણ મોટી સફળતા પ્રાપ્ત કરીને પ્રથમ સ્થાને આવ્યું છે. જો કે ગયા વર્ષે સુરત શહેર આ લિસ્ટમાં 13 માં સ્થાને આવ્યું હતું. પરંતુ વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશના 131 શહેરોને પાછળ છોડીને પ્રથમ સ્થાને આવી ગયું છે.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત શહેરે મોટી છલાંગ લગાવી છે. સુરત શહેરે 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી આ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જો કે ગયા વર્ષે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરતે પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારે હવે આ વર્ષે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવેલ ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સુરત શહેરે પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સુરત 2023-24ના PM10 ના રજકણોમાં 12.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. જો કે ગયા વર્ષે 2023માં ખૂટતી સુવિધા અને ત્રુટીઓનું નિવારણ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું છે.
આગામી 7 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનારને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન ફોર એર સિટીનું બહુમાન આપવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરને 1.5 કરોડ રૂપિયાની રકમ, ટ્રોફી અને સુરતના મેયર અને મ્યુ. કમિશનરને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે અને નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવાનો હતો. આ ઉપરાંત હવાના રજકણોમાં 30% નો ઘટાડો કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.