મોડર્ન દેખાતી મહિલાઓએ જ્વેલર્સના શો રૂમમાંથી 10 લાખના દાગીના ચોરી લીધા

વડોદરામાં મોડર્ન દેખાતી ત્રણ મહિલાઓ દ્વારા જ્વેલર્સના શો રૂમમાંથી રૂ.10 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેતલપુર રોડ પર આવેલા પી.એન. ગાડગીલ એન્ડ સન્સ લિમિટેડ જવેલર્સના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ સેલ્સગર્લની નજર ચૂકવી સોનાની બંગડીઓ ચોરી લીધી હતી.
માહિતી અનુસાર, શોરૂમમાં રાત્રે સ્ટોકની ગણતરી દરમિયાન 8 બંગડીઓનો હિસાબ મળતો નહોતો. બાદમાં CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓએ કાઉન્ટર પરથી રૂ.10.01 લાખની કિંમતની 8 સોનાની બંગડીઓ ઉઠાવી લીધી હતી.
નવાપુરા વિસ્તારની જયરત્ન ચાર રસ્તા નજીક રહેતી નિશાબેન રવિન્દ્ર દેવળાલીકરે આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નિશાબેન પી.એન. ગાડગીલ જવેલર્સમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. 8 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ત્રણ મહિલાઓ ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી.
તે સમયે કેટલાક સેલ્સમેન જમવા ગયા હતા, તેથી નિશાબેન જાતે જ તેમને સેવા આપી રહી હતી. મહિલાઓએ સોનાની બંગડી બતાવવા માંગણી કરી, પરંતુ પસંદ ન આવતા તેઓ શોરૂમમાંથી નીકળી ગઈ હતી. સાંજે 8.30 વાગ્યે દાગીનાની ગણતરી દરમિયાન બંગડીઓ ગુમ જણાતા CCTV તપાસ કરતાં ચોરીની ઘટના સામે આવી હતી.
આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસે મહિલાઓની ઓળખ મેળવવા માટે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરી કરનાર મહિલાઓની શોધખોળ માટે ટીમો રચી કાર્યવાહી હાથ ધરી છે.