Uncategorized

રાજકોટમાં પિતા સાથે વોકળામાં ડૂબી જતા 6 વર્ષના માસૂમનું મોત

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં વોંકળામાંથી પિતા અને પુત્રના કોહવાયેલા મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહોને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ખોખરી ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશના ડાવર પરિવાર ખેતમજૂરી કામ કરતો હતો. પરિવારમાં રાજેશભાઈ જુવાનસીંગ ડાવર (ઉં.વ.27), તેમની પત્ની રેણુકાબેન અને 6 વર્ષનો પુત્ર અરુણ સામેલ હતા. ગત 16 જાન્યુઆરીના રોજ રાજેશ દારૂના નશામાં પત્ની સાથે બોલાચાલી કર્યા બાદ ઘરેથી નીકળી ગયો હતો, જે અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પિતા-પુત્ર બંને ગુમ થયેલા હોવાનું સામે આવ્યું હતું.

ગઈકાલે મોડી રાત્રે ખોખરી ગામના વોંકળામાંથી રાજેશ અને તેમના પુત્ર અરુણના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યા હતા. સ્થાનિકોએ મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરી અને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળક અરુણ વોંકળામાં નાહવા પડ્યો હતો અને તેને બચાવવા માટે પિતા રાજેશ વોંકળામાં ઝંપલાવ્યો હતો, જેના કારણે બંને ડૂબી ગયા અને મોત નિપજ્યાં. જોકે, પિતા-પુત્ર બંને સાથે વોંકળામાં કેવી રીતે ગયા અને આ ઘટનામાં કોઈ અન્ય કારણ તો જવાબદાર નથી ને? તે દિશામાં પણ પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસનું કહેવું છે કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર ઘટનાને લઈને ખોખરી ગામમાં શોકનો માહોલ છવાયો છે.