GujaratAhmedabad

108 એમ્બ્યુલન્સના કર્મચારીએ કહ્યું કે યશરાજસિંહે 30 સેકન્ડમાં જ..

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરના ફ્લેટ નં. 502માં બનેલી ઘટનાએ લીમડા સ્ટેટના રોયલ પરિવારને ગાઢ આઘાત આપ્યો છે. માત્ર બે મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર ગોહિલ દંપતી લોહીના ખાબોચિયામાં સજોડે મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા તથા ક્લાસ-વન અધિકારી યશરાજસિંહ ગોહિલ પાસેથી અકસ્માતવશ પિસ્તોલમાંથી ગોળી છૂટતા તેમની પત્ની રાજેશ્વરીબાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં યશરાજસિંહે તરત જ 108 ઈમરજન્સી સેવાને ફોન કર્યો હતો. 108ની એમ્બ્યુલન્સ ફ્લેટમાં પહોંચી ત્યારે રાજેશ્વરીબા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી હતી. પેરામેડિકલ સ્ટાફ તપાસ કરી રહ્યો હતો અને કોલ સેન્ટરને માહિતી આપી રહ્યો હતો, તે જ દરમિયાન રાજેશ્વરીબાને મૃત જાહેર કરવામાં આવી હતી.

પત્નીના મૃત્યુની પુષ્ટિ થતાં જ માત્ર 30 સેકન્ડની અંદર યશરાજસિંહ ગોહિલે પણ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાએ હાજર સ્ટાફ અને પરિવારજનોને સ્તબ્ધ કરી દીધા હતા.

108 ઈમરજન્સી સેવાના EMT પરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ બોડકદેવ લોકેશનની એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. 21 જાન્યુઆરીની રાત્રે 11:42 વાગ્યે કોલ સેન્ટર પરથી ગનશૂટ થયાની માહિતી મળી હતી. 11:45 વાગ્યે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટના બેડરૂમમાં યશરાજસિંહની પત્ની બેડની બાજુમાં લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેમના માતા પણ રૂમમાં હાજર હતા.

પરેશ પટેલે વધુમાં જણાવ્યું કે અવાજ સાંભળતા જ તેઓ બેડરૂમમાં દોડી ગયા હતા, જ્યાં યશરાજસિંહ પણ માથામાં ગોળી વાગેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. બંનેના ધબકારા તપાસવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા તરત જ 108 કોલ સેન્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 112 મારફતે પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, દંપતી 21 જાન્યુઆરીની રાત્રે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા અને જમીને પરત આવ્યા બાદ આ દુર્ઘટના બની હતી. બનાવ સમયે ઘરમાં યશરાજસિંહના આશરે 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

મૃતક યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલાં જ તેમને વર્ગ-2માંથી વર્ગ-1માં પ્રમોશન મળ્યું હતું. તેઓ પરિવારના એકના એક દીકરા હતા. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને વિદ્યાર્થીકાળ દરમિયાન NSUI સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. આ કરુણ ઘટનાએ માત્ર પરિવાર નહીં પરંતુ રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ભારે શોક ફેલાવ્યો છે.