GujaratSouth GujaratSurat

બે દિવસ બાદ પુત્રએ Canada થી આવી માતાના અંતિમ સંસ્કાર કર્યા

સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ એક પાટીદાર પરિણીતાએ ઝેરી દવા પી લઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલા 44 વર્ષીય સીમાબેન હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પતિ અને સાસરિયાઓ તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ મળતો હોવાથી કંટાળીને સીમાબેને જીવન ટૂંકાવ્યું હતું. તપાસમાં પણ સાસરિયાઓનો ત્રાસ ગંભીર સ્તરે હોવાની હકીકત સામે આવી છે.સીમાબેનને કાબૂમાં રાખવા માટે સાસરિયાઓએ નોટરી કરાવીને બંધનમાં રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સીમાબેનનો એક પુત્ર કેનેડામાં રહેતો હોવાથી તે ભારત પરત આવ્યા બાદ, માતાના મોતના બે દિવસ પછી એટલે કે 4 ફેબ્રુઆરીની સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે 5 ફેબ્રુઆરીના રોજ પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

મૂળ બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી તાલુકાના ઉમરડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા સુનિલ વાઘાણીના લગ્ન અંદાજે 25 વર્ષ પહેલાં સીમાબેન સાથે થયા હતા. લગ્ન બાદ સીમાબેનને પતિ સુનિલ, સસરા મોહનભાઈ વાઘાણી, સાસુ ગૌરીબેન તથા નણંદ સંગીતાબેન અને નણંદના મિત્ર કમલેશ ધોરાજીયા દ્વારા મળીને અવારનવાર હેરાન કરવામાં આવતી હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સીમાબેનને સતત મહેણાં-ટોણાં મારવામાં આવતાં હતા અને દહેજ ન લાવ્યાની વાત કરી રોજેરોજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, સીમાબેનના પોતાના પરિવાર તરફ કોઈ પ્રસંગ હોય તો ત્યાં જવા પણ તેમને રોકવામાં આવતી હતી. પરિવારજનોએ વધુમાં જણાવ્યું છે કે સીમાબેનને કાબૂમાં રાખવા માટે સાસરિયાઓએ નોટરી કરાવી તેને બંધનમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ તમામ ત્રાસથી કંટાળીને સીમાબેને ગત 1 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ સવા ચાર વાગ્યાના અરસામાં પોતાના બેડરૂમના બાથરૂમમાં ઝેરી દવા પી લીધી હતી. હાલત બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મૃત્યુ બાદ પોલીસે પતિ સુનિલ વાઘાણી, સસરા મોહનભાઈ વાઘાણી, સાસુ ગૌરીબેન, નણંદ સંગીતાબેન તથા નણંદના મિત્ર કમલેશ ધોરાજીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ન્યાયની માંગ સાથે પરિવારજનોએ શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જોકે પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો અને પુત્ર કેનેડાથી આવી પહોંચ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.