બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલમાં રહેલા જયરાજ આહિર સહિત તમામ છ આરોપીઓને આજે મોટી રાહત મળી છે. મહુવાની કોર્ટે બંને પક્ષોની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓને શરતી જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બગદાણામાં સામાજિક અને અંગત અદાવતના પગલે નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. મામલો ગંભીર બનતા પોલીસે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. SITની તપાસ બાદ જયરાજ આહિર સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ગઈકાલે મહુવા કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ SIT દ્વારા કોર્ટમાં એફિડેવિટ રજૂ કરાતા સુનાવણી એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે વિસ્તૃત અને તીખી દલીલો થઈ હતી.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી સહિત કુલ છ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તમામ આરોપીઓ અંદાજે 14 દિવસથી જેલમાં બંધ હતા.
કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ આરોપીઓને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો, સાક્ષીઓ કે પુરાવાઓ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી અને કોર્ટ દ્વારા નક્કી કરેલી અન્ય શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
જામીન મળતા જ જયરાજ આહિર સહિતના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. બીજી તરફ, SIT દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી આગળની ટ્રાયલ દરમિયાન મજબૂત પુરાવાઓ રજૂ કરી શકાય.