હું ભૂત બનીને તારી પાસેથી 7 વર્ષનો હિસાબ લઈશ, કહીને યુવકે જીવન ટુંકાવ્યું
રાજકોટમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય અમિતભાઈ અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં અમિતભાઈએ જયદીપ દિનેશભાઈ મૈયડ અને પ્રવિણભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, તેમના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો છે, જેમાં તેઓ મેલડી માતાજીના મંદિરમાં બેઠા રહીને વ્યાજખોરો સામે પોતાની વ્યથા વ્યક્ત કરી અને “ભૂત બનીને પણ હિસાબ લઈશ” તેવી વાત કરતા નજરે પડે છે.
સુસાઇડ નોટમાં અમિતભાઈએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે તેમના મોત માટે જયદીપ દિનેશભાઈ મૈયડ જવાબદાર છે. તેમણે નોંધ્યું છે કે વર્ષ 2018માં જયદીપના ઓળખીતા પ્રવિણભાઈ ઉર્ફે મામા પાસેથી એક લાખ રૂપિયા રોકડા અને 50 હજાર રૂપિયા મંડળી મારફતે લોન લીધી હતી. આ રકમ સામે દર મહિને એક લાખ પર 12 હજાર રૂપિયાનો હપ્તો જયદીપને ચૂકવવો પડતો હતો, જ્યારે મંડળીને દર મહિને 2,500 રૂપિયાનો હપ્તો ભરવો પડતો હતો.
અમિતભાઈએ શરૂઆતના ચાર મહિના સુધી નિયમિત હપ્તા ચૂકવ્યા હતા. પરંતુ તે જ વર્ષે તેમના પિતાને કેન્સર થવાથી સારવાર ખર્ચ વધ્યો હતો અને એક વર્ષ બાદ પિતાનું અવસાન થતાં પરિવાર પર આર્થિક બોજ વધુ વધી ગયો હતો. ઘરખર્ચ અને સારવારના ખર્ચને પહોંચી વળવા માટે તેમને બજારમાંથી અન્ય લોકો પાસેથી પણ પૈસા લેવા પડ્યા હતા, જેના કારણે હપ્તા ભરવામાં વિલંબ થવા લાગ્યો હતો. આ દરમિયાન તેમણે મિત્રો પાસેથી પણ કટકે કટકે લગભગ 45 હજાર રૂપિયા લીધા હોવાનું નોંધમાં લખ્યું છે.
વર્ષ 2020માં લોકડાઉન લાગુ થતાં ધંધો બંધ થવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની ગઈ હતી અને તેઓ કોઈને પણ રકમ ચૂકવવાની સ્થિતિમાં રહ્યા ન હતા. આ પછી જયદીપ અને તેના મામા પ્રવિણભાઈએ બાકી રકમ પર 10 ટકાનું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું, જેના કારણે માત્ર વ્યાજ તરીકે તેમને દર મહિને લગભગ 12,250 રૂપિયા ચૂકવવા પડતા હતા.
છેલ્લે સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે તેઓ હપ્તા ભરવામાં સંપૂર્ણ રીતે અસમર્થ બન્યા હતા. સુસાઇડ નોટ મુજબ, વ્યાજખોરોએ તેમની રિક્ષા પણ જપ્ત કરી લીધી હતી. સાથે સાથે સિક્યોરિટી તરીકે આપેલો ચેક રકમ ભરીને બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો, જેના કારણે તેમની સામે કેસ પણ થયો હતો.