North GujaratMehsana

ઊંઝા-મહેસાણા રોડ પર કાર અકસ્માતમાં અમદાવાદના બે પરિવારના કુલ 5 સભ્યોના મોત

ઉત્તર ગુજરાતમાં હાઈવે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા–મહેસાણા હાઈવે પર ઉનાવા ગામ નજીક હોટલ કોમફી સામે એક ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકોના કરૂણ મોત થયા છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે પુરુષ, એક મહિલા અને એક નિર્દોષ બાળક સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મંથરાદેવીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થતાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં વસવાટ કરતો પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા બાદ ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. ઊંઝા–મહેસાણા હાઈવે પર ઉનાવા નજીક પહોંચતા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ચાર મૃતદેહોને ઉનાવા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનો પહોંચ્યા બાદ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરાશે. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

લગ્નની ખુશીઓ લઈને ઘરે પરત ફરી રહેલો પરિવાર પળવારમાં દુર્ઘટનાનો ભોગ બનતા બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે.