GujaratGandhinagar

ગાંધીનગરમાં બેરોજગારીથી કંટાળી યુવકે જીવન ટુંકાવ્યું, દીકરીની સુરક્ષા માટે દરવાજે ચિઠ્ઠી લગાવી

ગાંધીનગરના કુડાસણમાં પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. શેરબજાર સંબંધિત નોકરી ગુમાવ્યા બાદ આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવ વચ્ચે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મૃતકે આત્મહત્યા પહેલાં પરિવાર અને ખાસ કરીને પોતાની પુત્રીની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતી એક ચિઠ્ઠી ઘરના મુખ્ય દરવાજા બહાર ચોંટાડી હતી. તેમાં લખ્યું હતું, “દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું.” આ ચિઠ્ઠી જોઈ પરિવારજનો પણ ભાવુક બની ગયા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી અને હાલ કુડાસણમાં રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલી NXC સ્ટોક માર્કેટ કંપનીમાં કાર્યરત હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી. સાથે જ શેરબજાર સંબંધિત આર્થિક નુકસાન અને દેવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હતા.

ગત 13 મેના રોજ તેમની પત્ની પુત્રી સાથે પિયર ગઈ હતી. 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે છેલ્લી વાર ફોન પર વાતચીત થઈ હતી. ત્યારબાદ પંકજભાઈનો ફોન સતત બંધ આવતો હોવાથી પરિવારને શંકા ગઈ હતી. અનેક પ્રયાસો છતાં સંપર્ક ન થતાં તેમની પત્ની પોતાના ભાઈ સાથે 27 મેના રોજ કુડાસણ સ્થિત ઘરે પહોંચી હતી.

ઘરે પહોંચતા મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો, જ્યારે બહાર ચેતવણીભરી ચિઠ્ઠી લગાવેલી હતી. પરિવારજનો અંદર પ્રવેશ્યા ત્યારે પંકજભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી ઘઉંમાં વપરાતી સેલફોસ નામની ઝેરી દવાની પડીકીઓ પણ મળી આવી હતી.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ ઘટના 22 મે આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. મૃતદેહ ઘણા દિવસો સુધી ઘરમાં જ રહેતા તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.