રાજ્યમાં સતત ખૂનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ માનદરવા ખાતે ધનરાજ અને આસિફ આ બંને જૂથના માણસો સામસામે આવી ગયા હતા. ત્યારે ધનરાજ અને આસિફે ચપ્પુ બહાર કાઢીને એકબીજા જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 17 વર્ષની ઉંમરના ધનરાજ ધના સપકાલેના જાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબોએ ધનરાજને મૃતક જાહેર કર્યો હતો. બીજી બાજુ આસિફને પણ આ જીવલેણ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને પણ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આસિફ રસીદ શેખ અને ભોગ બનનાર ધનરાજ સપકાલે વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતા બંને એકબીજાને ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને પછી બંને વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં ધનરાજની જાંઘના ભાગે આરોપી આસિફેએ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી વધુ લોહી વહી જવાના કારણે ધનરાજનું મોત નીપજ્યું હતુ. આ હત્યા જૂની અદાવત રાખીને કરવામાં આવી હતી. આરોપી શેખ અગાઉ પણ જુદા જુદા ગુનામાં પોલીસ ચોપડે નોંધાયો છે. અને તેની અનેક વખત ધરપકડ પણ થઈ ચૂકી હતી.
તમને જણાવી દઈએ કે, મૂળ મહારાષ્ટ્રનો અને છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાં વસવાટ કરતા ધનરાજની હત્યા થઈ જતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સલામતપુરા પોલીસે હાલ તો આ મામલે હત્યાનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.