GujaratSaurashtra

ખંભાળિયાના 26 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ, દિવાળીએ થવાના હતા લગ્ન

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે વધુ એક હાર્ટએટેકની ઘટના સામે આવી છે.  દ્વારકાના ખંભાળિયા શહેર પાસે આવેલા ધરમપુર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે રહેનાર પ્રશાંત પ્રવીણભાઈ કણજારીયા નામના યુવકને હાર્ટએટેક આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ યુવાન મિસ્ત્રી કામ કરી રહ્યો હતો તે સમયે તેના પિતાની નજર સમક્ષ હાર્ટએટેક આવી જતા તે જમીન પર પટકાયો હતો. તેના લીધે ત્યાર બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હાજર રહેલા તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ મામલામાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૃતક પ્રશાંતની સગાઈ થઈ ગઈ હતી અને તેના દિવાળી પછી લગ્ન પણ કરવાના હતા. પરંતુ તે પહેલા પ્રશાંતને હાર્ટએટેક આવતા તેનો જીવ ચાલ્યો ગયો છે. વિજય ચેરીટેબલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી ચુકેલા મૃતક પ્રશાંતનું હાર્ટએટેકથી મોત થતા ધરમપુર સતવારા સમાજમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.