10 વર્ષથી નિઃસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયું તો ભુવાએ….

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે. પરંતુ ઘણી વખત લોકો શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધામાં એટલા બધા ઊંડા ઉતરી જતા હોય છે કે પચજી પાછળથી તે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. રાજકોટમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દંપતી સંતાન પ્રાપ્તિ માટે થઈને ડોક્ટરને બદલે ભુવા પાસે ગયા હતા. અને ભુવાએ આ દંપતી પાસેથી થોડા થોડા કરીને 1.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે આ દંપતીને પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પાસે પહોંચ્યા હતા. અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2013માં બકુલ ચાવડા અને ભારતીબેનના લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ રાજકોટ ખાતે થયા હતા. આ દંપતીને લગ્નના 10 વર્ષ બાદ પણ સંતાન સુખ ના હોવાથી આ દંપતી ડોક્ટરને પાસે તો ગયા જ પરંતુ તેઓ ન્યારા નામના ગામમાં રહેતા ભુવા મોહનના સંપર્કમાં પણ આવ્યા હતા. આ દરમિયાન ભારતીબેનને ગર્ભ રહી ગયું હતું. ત્યારે ડોકટરોએ તપાસ કરીને જણાવ્યું હતું કે ભરતીબેનના ગર્ભમાં રહેલ બાળક અવિકસીત અને વિકલાંગ છે માટે તેને દૂર કરવું એ હિતાવહ રહેશે. લગ્નના 10 વર્ષ પછી ગર્ભ રહ્યા પછી પણ ડોકટરોએ આવું કહેતા આ દંપતી ન્યારા ગામના ભુવા મોહન પાસે પહોંચ્યું હતું. ત્યારે ભુવાએ જણાવ્યું કે ડોકટર ખોટું બોલે છે તમે ચિંતા ના કરશો હું ગર્ભની આસપાસ બાળક માટે સુરક્ષા કવચ મૂકી દઈશ. અને બાળક તંદુરસ્ત જ આવશે. ત્યારે આ દંપતી ભુવાની વાતમાં આવી ગઈ અને પછી થોડા થોડા કરીને ભુવાએ આ લોકો પાસેથી 1.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ડોકટરોની વાત ન માનીને ભુવા પાએ પહોંચેલા દંપતીને ઘરે માનસિક રીતે વિકલાંગ બાળકનો જન્મ થયો અને જન્મ્યો ત્યારથી બાળક હલન ચલન પણ કરી શકતો નથી.
નોંધનીય છે કે, માનસિક રીતે વિકલાંગ બાળકનો જન્મ થતા આ દંપતી ભુવા પાસે પહોંચ્યું હતું. ત્યારે ભુવાએ કહ્યું કે 2 વર્ષમાં બાળક તંદુરસ્ત થઈ જશે અને જો નહીં થાય તો હું મારું માથું કાપીને માતાજી આગળ મૂકી દઈશ. પરંતુ બાળક આજદિન સુધી સાજું ના થતા દંપતીને છેતરાયાનો અનુભવ થયો હતો. અને તેઓ વિજ્ઞાન જાથાની ઓફિસે પહોંચીને જયંત પંડ્યાને આ સમગ્ર બાબત અંગે જણાવ્યું હતું. જયંત પંડ્યાએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, અમારી ફરિયાદ નોંધીને આ કેસમાં સરકાર એવી દાખલો બેસાડે કે ફરી કોઈ ભુવો બીજા કોઈ દંપતી સાથે આ પ્રકારની છેતરપિંડી કરવાનું વિચારે પણ નહિ.