AhmedabadGujarat

નશામાં ચકનાચૂર ભાઈએ બહેન સાથે બીભત્સ માંગણી કરતા ખેલાઇ ગયો ખૂની ખેલ

કેટલાક લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. અને પછી ના થવાનું થઈ જતું હોય છે. આવુ જ કંઈક ખેડા જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં નશામાં ધૂત એક ભાઈએ પોતાની જ બહેન સાથે બીભત્સ માંગણી કરતા આખી ઘટના હત્યામાં પરિણમી હતી. ભાઈની હત્યા પછી બહેને પોલીસને જણાવ્યું કે, ભાઈ ઘરમા આકસ્મિક પડી ગયા હોવાથી તેમનું મૃત્યુ થયું. ત્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હકીકત સામે આવતા પોલીસે મહિલાની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનમાં ગત 3જી તારીખે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદથી એક વર્ધી નોંધાઈ હતી. જેમાં નડિયાદ પાસે આવેલા મંજીપુરા નામના ગામના એક વ્યક્તિને સારવાર અર્થે કરમસદ ખાતે લાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે મૃત્યુ પામેલ વ્યક્તિની બહેનની પ્રાથમિક પૂછપરછ કરતા બહેને કહ્યું હતું કે, ઘરની બહાર ચાલતા ચાલતા જ ભાઈ અચાનક નીચે પડી ગયા હતાં. અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બહેનના સ્ટેટમેન્ટના આધારે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

નોંધનીય છે કે, કોઈ તીક્ષ્ણ હથિયારથી મૃતક વ્યક્તિના માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને મૃતકની બહેનના સ્ટેટમેન્ટમાં વિસંગતતા હોવાથી પોલીસે આ મામલે બહેનની કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં બહેને પોતાનો ગુનો કબૂલ કરીને પોલીસને જણાવ્યું કે, ભાઈ નશામાં ચકનાચૂર થઈને તેની પાસે આવ્યો અને બીભસ્ત માંગણી કરવા લાગ્યો હતો. અને બહેન જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે જબરજસ્તી તેનો હાથ પકડી લીધો હતો. જેથી બહેને પોતાના રક્ષણ માટે તેની નજીકમાં જ પડેલું ધાર્યું ભાઈના માથાના ભાગે મારતા ભાઈ ત્યાં જ નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ બહેને ભાઈને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ભાઈની સારવાર થાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હાલ તો રૂરલ પોલીસે બહેનની ધરપકડ કરીને આ સમગ્ર કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.